જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીરૂપે ૭૮-જામનગર વિધાનસભા મતવિસ્તારની એકતા યાત્રા યોજાઈ હતી. પ્રારંભ સ્થળ ખાતે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂ
એકતા યાત્રા


જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીરૂપે ૭૮-જામનગર વિધાનસભા મતવિસ્તારની એકતા યાત્રા યોજાઈ હતી. પ્રારંભ સ્થળ ખાતે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આરંભ સ્થળે મંત્રી અને મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપીને સન્માન્યા હતાં.

મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યાત્રા કોઈ યાત્રા નહીં પણ એક રાષ્ટ્રપ્રેમી મહાન વિભૂતિને અંજલિરૂપ છે. સરદાર પટેલનું જીવન રાષ્ટ્રપ્રેમ, દયા, સાહસ વગેરે ગુણોની પ્રેરણાઓ આપે છે. તેમણે કરેલા કાર્યો તેમના સામર્થ્ય અને ઉર્જાસભર નેતૃત્વનો પરિચય આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપી, એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો અને સરદાર પટેલને સન્માન આપ્યું છે.

યાત્રાનો પ્રારંભ જામનગર ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ગાંધીનગર મેઈન રોડથી થયો હતો. શહેરમાં પટેલ કોલોની, વિકાસગૃહ, ડી.કે.વી. સર્કલ, ગુરુ દત્તાત્રેય રોડ, સાંસદશ્રી નિવાસસ્થાન, વાલકેશ્વરી નગરી, ગુરુદ્વારા સર્કલ, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી થઈને લાલ બંગલો સર્કલ પાસે આ યાત્રા વિરામ પામી હતી. વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાયો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ,ડો. આંબેડકર સ્ટેચ્યુ ખાતે મહાનુભાવોએ પ્રતિમાઓને ફુલહાર કર્યા હતા. આ એકતા પદયાત્રામાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ અને લોકો, સંરક્ષક દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો સહભાગી બન્યા હતા. તિરંગા સાથે લઈને, રાષ્ટ્રભક્તિસભર ગીતો સાથે, રંગેચંગે એકતાયાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.

યાત્રામાં અગ્રણી બીનાબેન કોઠારી, કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતાશ્રી આશિષભાઈ જોશી, મહાનગરપાલિકાના હોદ્દેદારો, પ્રાંત અધિકારી અદિતિ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande