
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં વિધાનસભા વિસ્તાર મુજબ અલગ અલગ ‘યુનિટી માર્ચ’ કાર્યક્રમ યોજવામાં આવી રહી છે.73 - ગોંડલ વિધાનસભા વિસ્તારની પદયાત્રા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ગુંદાળા ગામેથી પ્રારંભ થઇ હતી.
કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને સ્મરણાંજલિ અર્પી જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલે સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાનુ ભગીરથ કાર્ય કર્યું છે. આઝાદી પછી 562 રજવાડાઓને દેશમાં ભેળવીને અખંડ ભારત બનાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલ કરી છે. ત્યારે આપણે સૌ દેશવાસીઓએ વડાપ્રધાન ના સ્વપ્નને પરિપૂર્ણ કરવા સ્વદેશી અભિયાન સ્વચ્છતા અભિયાન સહિત અભિયાનમાં સહભાગી બનીએ તેમ ગીતાબાએ એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુંદાળા ગામથી પાટીદડ ગામ વચ્ચે આયોજિત એકતા રેલીમાં સરદાર પટેલ એકતા રથને સૌ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા.
‘હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી’, ‘ચાલો એકતાનો સંદેશ પ્રસરાવીએ’, ‘રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ’ નો સંદેશો આપતા બેનર સાથે શાળા કોલેજના છાત્રો, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ વિભાગના જવાનોએ રેલીમાં ઉત્સાહપુર્ણ ભાગ લીધો હતો.
પદયાત્રાનું અનિડા ભાલોડી ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોએ રથમાં બિરાજમાન સરદારની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા. પદયાત્રીઓને પાણી, ચા તેમજ ઠંડા પીણા પૂરા પાડી ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ