


મહેસાણા, 2 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અચાનક માવઠાના કારણે રાયડા અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. અનેક ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક બેસી જતાં ઉપજ ઘટી ગઈ છે અને ખેડૂતો હાલ નવી ખેતી તરફ વળી રહ્યા છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા (મહેસાણા)ના નિષ્ણાંત ભરતભાઈ કે. પટેલના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં ઘઉં, અજમો અને બટાકાનું વાવેતર ખેડૂતો માટે વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. કપાસ કાઢ્યા પછી ઘઉંની મોડી જાતો જેવા કે GW 451 અને GW 513 વાવવી અનુકૂળ રહેશે, જે જૂની જાત GW 496 કરતાં 10થી15 ટકા વધુ ઉપજ આપે છે.
તેમણે જણાવ્યું કે સમયસર વાવણી માટે 15 થી 25 નવેમ્બર અને મોડી વાવણી માટે 26 નવેમ્બરથી 10 ડિસેમ્બર સમય યોગ્ય ગણાય છે. એક હેક્ટર દીઠ બિયારણનો દર અનુક્રમે 125 અને 150 કિલો રાખવો જોઈએ. પાકના પ્રથમ પિયત 18 થી 20 દિવસે આપવું અને 90 દિવસ પછી પિયત બંધ કરવું જરૂરી છે.
નિષ્ણાંતોએ ખેડૂતોને સલાહ આપી છે કે ઉતાવળમાં પાક ન પસંદ કરી જમીનની તાસીર, ભેજ અને હવામાનને ધ્યાનમાં રાખીને વાવેતર કરવાથી નુકસાનની ભરપાઈ શક્ય બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR