
અમરેલી,, 3 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના મૂળ વતની અને સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ તેમજ સાંસદ ગોવિંદ ધોળકિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા અનોખું અને પ્રેરણાદાયક એલાન કર્યું છે. તેમણે જાહેરાત કરી હતી જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવનારા ICC મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં વિજય મેળવ્યો હતો તો ટીમની દરેક ખેલાડીને નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટરૂપે આપવામાં આવશે.
ગોવિંદ ધોળકિયા સાથે સુરતના જ હીરા ઉદ્યોગપતિ જયંતિ નારોલા પણ આ ઉપક્રમે જોડાયા છે. તેમણે જણાવ્યું છે કે મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને તેમને વધુ પ્રોત્સાહન આપવું એ દરેક ભારતીયની જવાબદારી છે. ખેલાડીઓની મહેનત અને સમર્પણને માન આપવા માટે આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે ગોવિંદ ધોળકિયાએ વધુ એક મોટો સામાજિક સંદેશ આપ્યો છે — તેમણે જણાવ્યું કે ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવામાં આવશે, જેથી તેઓ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરી શકે અને પર્યાવરણ પ્રત્યે સકારાત્મક યોગદાન આપી શકે.
ગોવિંદ ધોળકિયાએ આ બાબતે બીસીસીઆઈ (BCCI) ને સત્તાવાર પત્ર લખી જાણ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતીય મહિલા ખેલાડીઓએ વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું છે, તેથી તેમને યોગ્ય સન્માન મળવું જ જોઈએ.
આ જાહેરાત પછી ક્રિકેટ જગતમાં ખુશીની લહેર દોડતી જોવા મળી છે. ઘણા ક્રિકેટ પ્રેમીઓ અને રમતગમત સંગઠનોએ આ પહેલને અભિનંદન આપ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની આ પહેલ માત્ર પ્રોત્સાહન પૂરતી નથી, પણ મહિલા સશક્તિકરણનો એક જીવંત ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai