



મહેસાણા, 2 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના અમુઢ ગામની શર્મિષ્ઠાબેન જીગ્નેશભાઈ પટેલ આજે ગામની પ્રેરણાસ્ત્રોત બની છે. 45 વર્ષની આ મહિલા કોઈ સમયે ખેતી અને પશુપાલનમાં વ્યસ્ત રહેતી હતી, પરંતુ DSC સંસ્થામાં CRP (કમ્યુનિટી રિસોર્સ પર્સન) તરીકે જોડાયા બાદ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
પતિના અવસાન પછી દીકરી અને ઘરનો બોજ સંભાળતાં શર્મિષ્ઠાબેને હિંમત હાર્યા વગર DSC સંસ્થાનો સહારો લીધો. આજે તેઓ વોટર મેનેજમેન્ટ, ખેડૂત માર્ગદર્શન અને પાણી સંરક્ષણની અનેક પ્રવૃત્તિઓમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની આગેવાની હેઠળ ગામમાં વોટર સિક્યુરિટી પ્લાન અને બંધ બોર રિચાર્જ સિસ્ટમ સ્થાપિત થઈ છે, જેના કારણે 24 થી 25 ઘરોમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા થઈ છે.
શર્મિષ્ઠાબેનની સમજાવટથી ગામના 75 જેટલા ખેડૂતોએ આંતરચાજ પિયત પદ્ધતિ અપનાવી, જેના પરિણામે પાણી બચત અને ખેતીમાં સુધારો થયો છે. દર મહિને ખેડૂતો સાથે બેઠક યોજીને તેઓ નવી ટેક્નોલોજી અને સિંચાઈ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપે છે. આજે શર્મિષ્ઠાબેન માત્ર કમાણી નહિ, પરંતુ સ્વમાનનું પ્રતિક બની મહિલાઓ માટે સશક્તિકરણની જીવંત પ્રેરણા પુરવાર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR