
જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી જુનાગઢની યુવતીનું ઓપરેશન થિયેટરમાં બેશુધ્ધ હાલતમાં મળી આવી હતી. તેણીએ વધુ પડતુ એનેસ્થેશિયાનું ઈન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાચું કારણ તો વિસેરાના રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના તરસીંગડા ગામના વતની અને હાલ જામનગરમાં કેશવ વુમન્સ હોસ્પિટલમાં રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી કોમલબેન હશેરભાઈ ભીમાણી (ઉ.વ.28) નામની યુવતિ ગત તા.29ના રોજ સાંજના સમયે ઓપરેશન રૂમમાં નીચે પડી ગઈ હતી. જેથી તેણીને ઈમરજન્સી સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે યુવતિનું મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ડોક્ટર પૂનમબેન કેશુભાઈ કોડીનારિયાએ પોલીસને જાણ કરતાં સિટી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.મકવાએ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો. તેમના પરિવારજનોને જાણ કરતા જુનાગઢથી તાત્કાલિક જામનગર પહોંચી ગયો હતો અને પુત્રીના મૃતદહને જોઈને હૈયાફાટ રૂદન કર્યું હતું.
પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ માટે મોકલી દીધો હતો. જેના પ્રાથમિક રીપોર્ટ દરમિયાન તેણીએ પોતાના હાથમાં એનેસ્થેશિયાનું ઈન્જેક્શન લઈ લેવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધુ હોવાનું અનુમાન કરાયું છે. મૃતકના વિસેરા લઈને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાવાયા છે. ચેરના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરિવારજનો પોતાની પુત્રીના મૃતદેહને વતન લઈ ગયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt