
નવસારી, 2 નવેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રાત્રી ઘરફોડ ચોરીના બે વણશોધાયેલા ગુનાઓનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. LCB ટીમે ચોરીના આરોપીને 50,000/-ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને તપાસ દરમિયાન બાતમી મળી હતી. બાતમી મુજબ, નવસારી જુનાથાણા કોર્ટ સામે આવેલ ગુરુકૃપા ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી તથા દુધિયા તળાવ મહાનગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલ એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનોમાં ચોરી કરનાર ઇસમ હાલમાં નવસારી રેલવે સ્ટેશન નજીક ગરનાળા પાસે આંટાફેરા મારી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવી આરોપી સદ્દામ ઉર્ફે કકુ S/O અબ્દુલહક રેની (ઉં.વ. 36) ને પકડી પાડયો હતો.
પકડાયેલા આરોપી સદ્દામ ઉર્ફે કકુની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે આશરે બે મહિના પહેલા રાત્રીના 11:00 વાગ્યાના સુમારે તે ભેસ્તાન રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી નવસારી આવ્યો હતો. અહીં તેણે નવસારી કોર્ટની સામે આવેલ ગુરુકૃપા સ્ટેશનરીની દુકાનનું તાળું તોડી ચાંદીના સિક્કા, ટેબલના ખાનામાંથી રોકડા 3,000/- તથા સ્ટેશનરીનો સામાન અને એક બેગની ચોરી કરી હતી.
આ ઉપરાંત, આરોપીએ તારીખ 19/09/2025 ના રોજ રાત્રીના 11:00 વાગ્યાના સુમારે સચીન રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી નવસારી આવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેણે નવસારી ટાટાહોલ નજીક શોપિંગ સેન્ટરમાં આવેલ એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ (ડી.જે.ની દુકાન)નું તાળું તોડી દુકાનના ગલ્લામાંથી રોકડા ₹1,00,000/- ની યોરી કરી હતી.
પકડાયેલ આરોપી સદ્દામ ઉર્ફે કકુ S/O અબ્દુલહક રેની (ઉંમર 36 વર્ષ) હાલ નરી મસ્જીદ પાસે, અલીફનગર-1, નુરાની હોટલની સામે, ઉન પાટીયા, સુરતનો રહેવાસી છે. તેનું મૂળ રહેઠાણ ગાંધીનગર મોટી મસ્જીદ પાસે, ઉતરૌલા, તા. ઉતરૌલા, જિ. બલરામપુર-રામાનુજગંજ, ઉત્તરપ્રદેશ છે. પોલીસે તેની પાસેથી 500/- ના દરની 100 ભારતીય ચલણી નોટો મળી કુલ 50,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે