
પાટણ, 2 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઠાકોર સમાજે સામાજિક રિવાજોમાં સુધારો લાવવા અને વધતા ખર્ચ પર અંકુશ મેળવવા માટે મહત્વપૂર્ણ બંધારણીય નિર્ણય લીધો છે. મહેમદાવાદ ગામના રામદેવપીરના મંદિરે યોજાયેલી બેઠકમાં લગ્ન સંબંધિત રીતરિવાજો, મામેરું અને દહેજ જેવી પ્રથાઓમાં ફેરફાર કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર થયો છે.
નવા નિયમો અનુસાર લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા, હલ્દીની રસમ કરવી, આતશબાજી ફોડવી અને વીડિયો શૂટિંગ કરાવવું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. સગાઈ સમયે યુવતીઓને મોબાઇલ ભેટમાં આપવાની પ્રથાને પણ રોકી દેવામાં આવી છે, જેથી મોબાઇલના દુરુપયોગને અટકાવી શકાય. આર્થિક વ્યવહારમાં પણ સુધારો કરીને મામેરાની રકમ ₹11,000થી ₹1 લાખ સુધી સીમિત રાખવામાં આવી છે, જેથી દેખાડા અને બેફામ ખર્ચમાં ઘટાડો થાય.
લગ્ન પ્રસંગે જાનમાં માત્ર 5થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે. સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ નવા નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ કે પરિવારને ₹11,000નો દંડ ભરવો પડશે. આ નિર્ણયનો હેતુ સમાજમાં શિસ્ત, સમાનતા અને સંયમનું સંસ્કાર પ્રસ્થાપિત કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ