
અમરેલી, 23 નવેમ્બર (હિ.સ.) આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે શ્રી માધવ સેવા ટ્રસ્ટ, વીજપડી દ્વારા 126મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ ભવ્ય રીતે યોજાયો હતો. કેમ્પનું આયોજન રમાબેન પારેખ પરિવાર (મુંબઈ)ના આર્થિક સહયોગથી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી તથા ભુરખીયા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી, તેમજ શ્રી ગાયત્રી વિદ્યાલય વીજપડી અને અમરેલીના સુદર્શન નેત્રાલયની ભાગીદારી હેઠળ કરવામાં આવ્યું હતું.
23 નવેમ્બર 2025, રવિવારના રોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટા પ્રમાણમાં ગામજનો જોડાયા હતા. કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ કેમ્પમાં હાજર તબીબો અને દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરીને કેમ્પને સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો હતો.
કેમ્પમાં કુલ 148 દર્દીઓએ આંખની તબીબી તપાસનો લાભ લીધો હતો. તેમાં વીજપડી ઉપરાંત આજુબાજુના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેમ્પ દરમ્યાન કુલ 25 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા, જેમને સુદર્શન નેત્રાલય, અમરેલી ખાતે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઓપરેશન માટે મોકલવામાં આવશે.
સુદર્શન નેત્રાલય દર્દીઓને પોતાની વાહનવ્યવસ્થા દ્વારા લઈ જવાની અને પાછા મુકવાની સુવિધા પણ પૂરું પાડે છે. ઉપરાંત ઓપરેશન દરમ્યાન દર્દીઓને રહેવાની અને જમવાની સુવિધા પણ હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે. ચશ્મા, દવાઓ સહિતની આવશ્યક સારવાર પણ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
માધવ સેવા ટ્રસ્ટ, વીજપડીના ટ્રસ્ટીઓ તથા ગામના સેવાભાવી લોકો દ્વારા કેમ્પને સફળ બનાવવા ખાસ કામગીરી કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસોમાં વધુ આરોગ્ય સેવાકીય કાર્યક્રમો યોજવાની યોજના છે. આગામી કેમ્પ અંગેની માહિતી માટે પતંજલિ કિરાણા સ્ટોર, વીજપડી—ભાવેશભાઈ લાડુમોરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai