
નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ
આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા (આઈબીએસએ) ડાયલોગ ફોરમ
બેઠકમાં ભાગ લીધો. પ્રધાનમંત્રીએ માનવ-કેન્દ્રિત વિકાસને મજબૂત બનાવવામાં
ટેકનોલોજીની આવશ્યક ભૂમિકા પર ભાર મૂક્યો અને આઈબીએસએ ડિજિટલ ઇનોવેશન એલાયન્સની રચનાનો પ્રસ્તાવ મૂક્યો.
તેમણે જણાવ્યું કે,” આનાથી યુપીઆઈ જેવા ડિજિટલ જાહેર માળખા, કોવીનજેવા આરોગ્ય
પ્લેટફોર્મ, સાયબર સુરક્ષા
માળખા અને મહિલાઓની આગેવાની હેઠળની ટેકનોલોજી પહેલ ત્રણેય દેશો વચ્ચે વહેંચણી સરળ
બનશે. 40 દેશોમાં
પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે આઈબીએસએ ફંડના કાર્યની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ
દક્ષિણ-દક્ષિણ સહયોગને વધુ આગળ વધારવા માટે આઈબીએસએ ફંડ ફોર ક્લાઇમેટ રેઝિલિઅન્ટ
એગ્રીકલ્ચરનો પ્રસ્તાવ મૂક્યો.”
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે,” વૈશ્વિક શાસન સંસ્થાઓ 21મી સદીની
વાસ્તવિકતાઓથી ઘણી દૂર છે. તેમણે આઈબીએસએ ને એક મજબૂત સંદેશ મોકલવા વિનંતી કરી કે,
આ સુધારા માટે જરૂરી છે. વૈશ્વિક શાસન, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદની અંદર, હવે એક વિકલ્પ
નથી પણ એક જરૂરિયાત છે.” આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે, પ્રધાનમંત્રીએ
નજીકના સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે,” આતંકવાદ સામે લડતી વખતે
બેવડા ધોરણો માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં.”
પ્રધાનમંત્રીએ સલામત, વિશ્વસનીય અને માનવ-કેન્દ્રિત એઆઇ ધોરણોના વિકાસમાં
યોગદાન આપવાની આઈબીએસએની ક્ષમતા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે આવતા વર્ષે ભારતમાં
યોજાનારી એઆઇ અસર સમિટમાં આઈબીએસએ નેતાઓને આમંત્રણ
આપ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આઈબીએસએ એકબીજાના વિકાસને પૂરક બનાવી શકે છે
અને સતત વિકાસ માટે એક ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે. તેમણે બરછટ અનાજ, કુદરતી ખેતી, આપત્તિ
સ્થિતિસ્થાપકતા, હરિયાળી ઉર્જા, પરંપરાગત દવાઓ
અને આરોગ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો પર પ્રકાશ પાડ્યો.”
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે,” આઈબીએસએ ફક્ત ત્રણ દેશોનો
સમૂહ નથી, પરંતુ ત્રણ
ખંડોના ત્રણ મુખ્ય લોકશાહી અને ત્રણ મુખ્ય અર્થતંત્રોને જોડતું એક મહત્વપૂર્ણ
પ્લેટફોર્મ છે. પ્રધાનમંત્રીએ આફ્રિકન ભૂમિ પર પ્રથમ જી-20 સમિટની સાથે
આયોજિત બેઠકની પ્રશંસા કરી.” તેમણે કહ્યું કે,” જી-20 માનવ-કેન્દ્રિત વિકાસ, બહુપક્ષીય
પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી મહત્વપૂર્ણ પહેલોમાં પરિણમ્યું
છે.”
આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ
રામાફોસા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વડાપ્રધાન મોદી અને બ્રાઝિલના
રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ