



પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : મેદસ્વિતા મુક્ત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતા ગુજરાત રાજ્યને મેદસ્વિતા મુક્ત બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત અભ્યાન કાર્યરત છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ શિબિર (ફેસ–2) નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લાના વાડીપ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં આયોજિત આ શિબિરમાં કુલ 115 જેટલા લાભાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે. શિબિર આગામી 10 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ શિબિરમાં યોગ દ્વારા મેદસ્વિતામુક્ત જીવન તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રાખીને નિષ્ણાતોની ટીમ માર્ગદર્શન આપી રહી છે.
શિબિરનું આયોજન ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા તથા જિલ્લા કો-ઓર્ડીનેટર કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જિલ્લા સ્તરે યોગ કોચ અને મુખ્ય સંચાલિકા ઉર્મિષાબેન પાંજરી, સહ-સંચાલક પરેશભાઈ દુબલ અને ટ્રેનર મનીષાબેન મસાણી સહિત મનીષાબેન લોઢારી, મહેશભાઈ મોતીવરસ, સુનિલભાઈ ડાકી, અંજલિબેન ગાંધ્રોકિયા અને ઉષાબેન શિયાળ દ્વારા શિબિરનું સુચારૂ સંચાલન થઈ રહ્યું છે.
પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ શિબિરાના લાભાર્થીઓના બીપી તથા શુગર જેવા જરૂરી ચકાસણીઓ વિનામૂલ્યે કરવામાં આવી છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આહાર-વિહાર, યોગ-પ્રયોગો, આરોગ્યવર્ધક ઉકાળા-જ્યુસ તથા વજન ઘટાડા માટેની જરૂરી માહિતી નિયમિત આપવામાં આવી રહી છે.
શિબિરના બીજા પડાવમાં શિબિરાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવા ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા તથા સામાજિક સેવાકીય ક્ષેત્રે કાર્યરત હિતેશભાઈ કારિયા પણ જોડાયા હતા. આ પ્રસંગે આર્ય સમાજ, પોરબંદર દ્વારા શિબિરાના તમામ લાભાર્થીઓને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.
અંતે જિલ્લા કો-ઓર્ડીનેટર કેતન કોટિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુમાં વધુ લોકોએ નિયમિતતા સાથે જોડાઈ મેદસ્વિતા મુક્ત પોરબંદર અભિયાનને સફળ બનાવવા માટે પ્રેરણા અપાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya