માત્ર વિકાસ નહીં, વનવૈભવ સાથે કુદરતના અપ્રતિમ સૌંદર્યની ભેટ એટલે કોલવડાનું તળાવ
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : આજે જાણીએ ગાંધીનગર શહેરી વિસ્તારમાં આવેલ એક એવી વનરાજી વિશે, જ્યાં તમને પક્ષીઓના કલરવ સાથે કુદરતી સૌંદર્ય માણવાની મજા અને શહેરની ભીડભાળથી દૂર શાંતિનો અહેસાસ કરાવે એવી રમણીય જગ્યા, એટલે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિ
કોલવડા તળાવ


કોલવડા તળાવ


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : આજે જાણીએ ગાંધીનગર શહેરી વિસ્તારમાં આવેલ એક એવી વનરાજી વિશે, જ્યાં તમને પક્ષીઓના કલરવ સાથે કુદરતી સૌંદર્ય માણવાની મજા અને શહેરની ભીડભાળથી દૂર શાંતિનો અહેસાસ કરાવે એવી રમણીય જગ્યા, એટલે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ કોલવડા તળાવ. આ સ્થળની મુલાકાત તમારી પ્રકૃતિના ખોળે વિહરવાની ખોજ પૂર્તિનું માધ્યમ બની રહેશે.

આ કોલવડા તળાવ એ અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ‘અમૃત સરોવર’ આમ તો બધે એક એવા તળાવની કલ્પના છે, જ્યાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા,વરસાદી પાણીના બચાવ અને પાણીના તળ ઊંચા લાવવાની ચિંતા હોય, પણ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિકસાવવામાં આવેલા કોલવડા તળાવની વાત અનોખી છે. જ્યાં પહેલા કચરાના ઢગલા અને ડમ્પીંગ સાઈડ જેવી હાલત હતી, તે જ જગ્યા પર આજે પ્રાકૃતિક સૌંદર્ય સાથે વિવિધ પશુ પક્ષીઓનું નિવાસ્થાન બની, ગાંધીનગરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તળાવની આસપાસ સહેલાણીઓની સગવડ અને સુવિધા માટે સિમેન્ટ કોંક્રેટનો ઉપયોગ ખૂબ ઓછો કરતા, કુદરતી વનરાજીને વિકસાવવામાં આવી છે, જેમાં સાંજના સમયે મોર, પોપટ, કોયલ ,ઢેલ, ટીટોડી, બતક અને નામશેષ થતી જતી ઘર ચકલીઓ જેવા પક્ષીઓ સહિત, કાચબા અને સસલા પણ જોવા મળે છે. એટલું જ નહીં પ્રકૃતિના ખોળે કોઈપણ જીવને હાનિ ન પહોંચે અને અહીં સાપ જેવા સરીસૃપોને પણ કોઈપણ ખલેલ વગર આશ્રય મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, જે અંગે કમિશનર ગાંધીનગર જણાવે છે કે, “સૃષ્ટિ ના નિયમ પ્રમાણે જીવન ચક્ર અને જીવ શૃંખલા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે. માટે અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.”

આ ઉપરાંત સાંજ પડતા અહીંનો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે, જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આથમતા સૂરજના તળાવમાં પડતાં પ્રતિબિંબ સાથે ક્રીડાંગણમાં રમતા બાળકોની કીલકારીઓ અને પક્ષીઓના મધુર અવાજથી વાતાવરણ ખૂબ જ આહલાદક બની જાય છે.

તળાવ આસપાસ મિયાંવાંકી વન પદ્ધતિથી વિકસાવવામાં આવેલા 30 હજાર જેટલા દેશીકુળના વૃક્ષોને કારણે આ જગ્યા ઓક્સિજન પાર્કની પણ ગરજ સારે છે. ઉપરાંત હાલમાં નવા 10,000 જેટલા વૃક્ષો વાવવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી આ નયન રમ્ય સ્થળની હરિયાળીમાં વધારો થવા સાથે વનરાજીમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ સુવિધા ઉભી થશે અને તે વધુમાં વધુ પક્ષીઓનું આશ્રય સ્થાન પણ બની રહેશે.

કોલવડા ના અમૃત સરોવર તરીકે વિકાસ પામેલા તળાવની મુખ્ય વિશેષતાઓ અંગે વાત કરીએ તો, રૂપિયા 08.47 કરોડના ખર્ચે 1,10,000 ચોરસ મીટર વિસ્તારમાં, 55000 ચોરસ મીટર વોટર બોડી સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ની વાત કરવામાં આવે તો તળાવ 182.5 મિલિયન લિટલ ક્ષમતા ધરાવે છે. જ્યારે પ્લાન્ટેશન વિસ્તારની વાત કરવામાં આવે તો 41,301 ચોરસ મીટર વિસ્તાર લીલી વનરાજીથી આવરી લેવાયેલો છે, જેમાં દેશી કુળના બદામ, વડ ,પીપળો ,આંબો, આમળાં , સરૂ, જાંબુ, જામફળ જેવા વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા છે‌. આ તળાવના વિકાસથી 10 હજારથી વધુ વસ્તીની સીધી અસર થાય છે, જેમાં કોલવડા, રાંધેજા અને ગાંધીનગર શહેરના રહેવાસીઓ માટે આ સ્થળ નજીકનું પિકનિક સ્પોટ પણ બની રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત વોટર ઈનલેટ ડેવલોપમેન્ટ સાથે તળાવના ઢોળાવ પર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને રક્ષણ મળી રહે તથા, તેમની વૃદ્ધિમાં ખલેલ ન પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે અહીં મૂળ નિવાસી પક્ષીઓ ઉપરાંત સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે પણ આ તળાવ રહેઠાણ બન્યું છે. ઉપરાંત તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે જળચર છોડ વાવેતરનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. તથા ભૂગર્ભ જળની ભરપાઈ માટે તળાવ ઓવર ફ્લો થતાં રિચાર્જ કુવાઓ પણ બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. તળાવમાં હંમેશા પાણી સચવાઈ રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલ પૂર જોશમાં ચાલુ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત કુદરતના ખોળે રમતા અને લીલી વનરાજીમાં વિહરતા પશુ પક્ષીઓનું રક્ષણ છે. અહીં સહેલાણીઓ માટે ત્રણ ગજીબો અને બાળકો માટે નાનકડા ક્રિડાંગણ સિવાય લગભગ 80 થી 100 વર્ષ જુના આંબા અને મહુડા તથા રાયણ જેવા વૃક્ષો નીચે બાળકો માટે ડાળી પર હીંચકા તથા લાકડાની પાટો દ્વારા બેઠક વ્યવસ્થા કુદરતી માહોલમાં ઊભી કરવામાં આવી છે. આ તળાવ અને તેની વનરાજી ખરેખર ભવિષ્ય માટે એક કુદરતી સૌંદર્ય સાથે ભરપૂર શાંતિ અર્પણ કરતી ભેટ બની રહેશે.

આ શાંત નયણરમ્ય સ્થળ પર કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાથી તમને ત્યાંના વાતાવરણમાં શુદ્ધ હવા અને સકારાત્મક ઊર્જાની અનુભૂતિ ચોક્કસ થશે. તો શહેરના ભીડભાળ વચ્ચેથી શહેરના પ્રદૂષણથી અલગ નવીન વાતાવરણનો અહેસાસ કરાવતી, છતાં શહેર વચ્ચે આવેલી આ જગ્યા ગાંધીનગરજનો માટે ચોક્કસ એક નવું નજરાણું બની રહેશે.

કારણ કે, વર્તમાન સમયમાં વૃક્ષોનો ઉછેર એ તાતી જરૂરીયાત છે,અને સરકાર જ્યારે વૃક્ષો વાવવા એક પેડ મા કે નામથકી આટલું મોટું અભિયાન શરૂ કર્યું છે,ત્યારે આ તળાવ આસપાસ વિકસાવવામાં આવેલ વનરાજી અને જિલ્લામાં વિકસાવવામાં આવેલા અન્ય નાનાં નાનાં વનો મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગરની સરાહનીય કામગીરી ગણાવી શકાય છે.

જિલ્લામાં જ્યારે આવા નાના નાના વન કવચ ઉભા કરવામાં આવી રહ્યા છે,ત્યારે કવિ શૈલેષ પંડ્યા નિશેષની એક પંક્તિ વગડાને આવ્યા છે આંસુ,

મારું ક્યાં ખોવાયું ચોમાસું?ટાંકતા કહેવાનું મન થાય કે, મોટા પાયે વૃક્ષારોપણ અને સરકારશ્રી તથા તંત્રના પ્રયાસો જોઈ વગડો પણ બોલી ઉઠશે....

હવે તો વગડાને ફૂટી છે વાચા, લીલાછમ વૃક્ષો થકી મારી વનરાજી ખૂબ વિસ્તરે, એવી બંધાઈ છે, વગડાને આશા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande