
સુરત, 3 નવેમ્બર (હિ.સ.) : શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષ નગરમાં રહેતો જૈન પરિવાર ઓલપાડમાં બહેનના ઘરે જમવા માટે ગયો હતો ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયગાળાનો લાભ ઉઠાવી અજાણ્યા ચોર ઈસમોએ મકાનના દરવાજાનું તાળું તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.50 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ લિંબાયત પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષ નગરમાં રહેતા દિનેશભાઈ ગુલાબચંદ જૈનની પત્ની રીન્કુબેનએ ગતરોજ લિંબાયત પોલીસ મથકમાં તસ્કરો સામે રૂપિયા 2.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 31/10/૨2025 ના રોજ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં રીંકુબેન તથા તેમના પતિ દિનેશભાઈ અને પરિવારજનો ઓલપાડના માસમાં ગામ ખાતે દિનેશભાઈની બહેન ના ઘરે જમવા માટે ગયા હતા. જ્યાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું અને બીજા દિવસે બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેઓ ઘરે પરત આવ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ તેમના મકાનના દરવાજાની લોખંડની ગ્રીલનો લોક તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીનો લોક તોડી નાખી તેમાં મુકેલા રૂપિયા 2.50 લાખના સોના ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનાર રીંકુબેનની ફરિયાદને આધારે લિંબાયત પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે રૂપિયા 2.50 લાખની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે