ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામોનો સર્વે શરૂ — સિંહોના કુદરતી નિવાસ પર ખતરાની ઘંટીઓ
અમરેલી, 4 નવેમ્બર (હિ.સ.) એશિયાના એકમાત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના કુદરતી નિવાસ પર માનવીય દબાણ સતત વધી રહ્યું છે. સિંહદર્શનના નામે છેલ્લા કેટલાંક વર્ષોમાં અભ્યારણ્યની સીમા આસપાસ આડેધડ હોટલ, રિસોર્ટ અને ફાર્મહાઉસના બાંધકામો ઉભા થઈ
ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામોનો સર્વે શરૂ — સિંહોના કુદરતી નિવાસ પર ખતરાની ઘંટીઓ


અમરેલી, 4 નવેમ્બર (હિ.સ.) એશિયાના એકમાત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના કુદરતી નિવાસ પર માનવીય દબાણ સતત વધી રહ્યું છે. સિંહદર્શનના નામે છેલ્લા કેટલાંક વર્ષોમાં અભ્યારણ્યની સીમા આસપાસ આડેધડ હોટલ, રિસોર્ટ અને ફાર્મહાઉસના બાંધકામો ઉભા થઈ ગયા છે. પરિણામે સિંહોના પ્રાકૃતિક રહેઠાણમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી સિંહોના સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે આ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી શરૂ થઈ છે. ધારી, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, રાજુલા અને બગસરા તાલુકાના 124 ગામોમાં આ રિસોર્ટ, હોટલ અને ફાર્મહાઉસનો વિસ્તૃત સર્વે શરૂ થયો છે. વહીવટી તંત્ર અને વનવિભાગની સંયુક્ત ટીમો હાલ બાંધકામોની કાયદેસરતા અને પર્યાવરણીય અસર અંગે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના ગણતરી મુજબ ગીરમાં સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે, પરંતુ વધતી માનવીય પ્રવૃત્તિઓના કારણે તેમનું રહેઠાણ સતત ઘટી રહ્યું છે. વનપ્રેમીઓએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, બાંધકામો નિયમબધ્ધ કરવા માટેની સરકારની નીતિ પ્રકૃતિ માટે ખતરનાક છે.

પર્યાવરણવિદોનો દાવો છે કે જો આ બાંધકામો દૂર ન કરવામાં આવે તો ગીરના સિંહોને જંગલની બહાર ભટકવા મજબૂર થવું પડશે, જે માનવ-સિંહ સંઘર્ષને વધારશે.

હવે સૌની નજર આ મુદ્દે સરકારના નિર્ણય પર છે — શું સરકારે સિંહોના હિતમાં કડક પગલાં લેવાના છે કે બાંધકામો બચાવવાનો વહીવટ થશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande