
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લાના જોડીયા નજીક ભાદરા ગામ પાસેથી મોડી રાત્રે ગૌરક્ષક અને પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી 6 ગૌવંશ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી. આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. ટીમે એક શખ્સને ઝડપી પાડી અબોલ પશુઓને બચાવ્યા હતા.મોરબી ગૌ રક્ષક સેના અને રાજકોટ ગૌ રક્ષક દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોડીયાના ભાદર રોડ પરથી ગૌ તસ્કરીના ઈરાદે લઈ જવાઈ રહેલા 6 ગૌવંશને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આરોપીએ બોલેરો પીકઅપ ગાડીમાં 6 ગૌવંશને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભર્યા હતા. પશુઓને નીરણ, ચારો કે પાણીની કોઈ સગવડ પૂરી પાડવામાં આવી ન હતી. આ રીતે પશુઓ પ્રત્યે ઘાતકીપણું આચરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 6 ગૌવંશ (કિંમત રૂ. 18,000) અને બોલેરો ગાડી (કિંમત રૂ. 2,50,000) સહિત કુલ રૂ. 2,68,000નો મુદ્દામાલ સામેલ છે.આ મામલે બોલેરો ગાડીના ચાલક દિનેશ કામડિયા (ઉંમર 25, ધંધો ડ્રાઈવિંગ, રહે. 66 KV, મોગલ માતાજીના મંદિર પાસે, લાલપુર, તા. લાલપુર, જિ. જામનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt