
વડોદરા, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતની 24 વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ, જે અંતર્ગત વિકાસ રથ જે ગામમાં પહોંચ્યા ત્યાં સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી યોજના અંગે પોતાના પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કરે છે. એવીજ એક ગાથા પોર ગામના મનુભાઈ પટેલ ગામ સમક્ષ રજુ કર્યું હતું.
પોર ગામના 71 વર્ષીય મનુભાઈ પટેલે જણાવ્યું કે “આયુષ્માન કાર્ડનું સાચું મહત્વ ત્યારે સમજાયું, જ્યારે જીવન મુશ્કેલીમાં હતું.” હૃદયની તાત્કાલિક સર્જરી માટે તેઓને મોટી રકમની જરૂર હતી, પરંતુ આયુષ્માન કાર્ડના કારણે તેમને મફતમાં સારવાર મળી અને પરિવાર પરનો નાણાકીય બોજ ઉતરી ગયો.
આયુષ્માન કાર્ડ અંતર્ગત પાત્ર પરિવારોને ઓળખાયેલી બીમારીઓ માટે કેશલેસ સારવાર મળી રહે છે. વડોદરા જિલ્લાના અનેક પરિવારોની જેમ મનુભાઈ પટેલનું જીવન પણ હવે આરોગ્ય અને આશાથી ઉજ્જવળ બન્યું છે.
આ યોજનાની મદદથી મનુભાઈ પટેલનું વડોદરાની બેંકર્સ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. આજે તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને આનંદપૂર્વક કહે છે કે “આયુષ્માન કાર્ડે મને મારું જીવન પાછું આપ્યું.”તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ યોજના સામાન્ય માણસને ટોચની હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપે છે. આ સાથે તેમણે સૌને વિનંતી કરી કે દરેક પાત્ર પરિવાર આ યોજનાનો લાભ લે અને પોતાના પરિવારને આરોગ્ય સુરક્ષા આપે.
પોર ગામમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન મનુભાઈ પટેલે પોતાનો અનુભવ સૌને કહ્યો અને કહ્યું કે સરકારના આ ઉપક્રમને કારણે અનેક પરિવારોને આશાનો પ્રકાશ મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ