
જામનગર, 3 નવેમ્બર (હિ.સ.) : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં વેકેશન દરમિયાન ચાલતી ખાનગી શાળાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ABVP ના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ABVP એ જણાવ્યું કે, સરકારના પરિપત્ર મુજબ 6 નવેમ્બર 2025 સુધી દિવાળી વેકેશન છે, તેમ છતાં કેટલીક ખાનગી શાળાઓ નિયમોનો ભંગ કરીને ચાલુ રાખવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આ બાબત ન હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે.
વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે 7 નવેમ્બર 2025 સુધીનો પરિપત્ર ધ્યાનમાં રાખીને, આવતીકાલથી જેટલી પણ ખાનગી શાળાઓ ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. ABVP એ ધ્યાન દોર્યું કે ખાનગી શાળા સંચાલકો માત્ર વેકેશન જ નહીં, પરંતુ જાહેર રજાઓમાં પણ નિયમોનો ભંગ કરીને શાળાઓ ચાલુ રાખે છે.
જામનગર ABVP ના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું કે, જો આગામી 24 કલાકમાં તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારી સામે આંદોલન કરશે. તેમણે ચેતવણી આપી કે આંદોલનની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રશાસનની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt