પાટણમાં પદ્મનાભજીના રેવડિયા મેળાનો ભવ્ય શુભારંભ
પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના પ્રસિદ્ધ ‘રેવડિયા મેળા’નો કારતક સુદ ચૌદશ, સોમવારથી શુભ પ્રારંભ થયો હતો. ‘સપ્ત રાત્રી મેળા’નો ઉદ્ઘાટન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હુડકોન
પાટણમાં પદ્મનાભજીના રેવડિયા મેળાનો ભવ્ય શુભારંભ


પાટણ, 3 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના પ્રસિદ્ધ ‘રેવડિયા મેળા’નો કારતક સુદ ચૌદશ, સોમવારથી શુભ પ્રારંભ થયો હતો. ‘સપ્ત રાત્રી મેળા’નો ઉદ્ઘાટન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હુડકોના ચેરમેન કે.સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રિબન કાપીને મેળાનો પ્રારંભ કરાવ્યો અને ભગવાનની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા.

પદ્મનાભ વાડી ટ્રસ્ટ પરિવાર તથા પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સૌને રેવડીનો પ્રસાદ અર્પણ કરીને આભાર વ્યક્ત કરાયો હતો. પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પદ્મનાભ મંદિરના દર્શનનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે ટ્રસ્ટ તથા ફોરેસ્ટ વિભાગ મળીને પરિસર હરિયાળો બનાવવા વધુ વૃક્ષારોપણ કરે તેવી તેમની સૂચના છે.

તેમણે પ્રજાપતિ સમાજની માટીના દેવોની પૂજા કરવાની ઇકો-ફ્રેન્ડલી પરંપરાની પ્રશંસા કરી હતી અને ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મેળાની પ્રથમ રાત્રે શ્રદ્ધાળુઓએ પોતાના ઘરેથી મંદિર પરિસર સુધી પીપળાના પાન પર દીવા પ્રગટાવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

રાત્રે ૯ વાગ્યે ભગવાન પદ્મનાભજી સહિત ગણપતિ મહારાજ, હરદેવજી અને નકળંગજી ભગવાનની જ્યોત સ્વરૂપે રવાડી નીકળશે. ‘સોને કી છડી, રૂપે કી મશાલ, જરીયન કા જામા, ગલે મોતીયન કી માલા’ જેવી ભવ્ય શોભાયાત્રા વચ્ચે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભશે. સમાજના નવદંપતિઓએ પણ પરંપરા જાળવી રાખી પોતાના ઘરેથી મંદિર સુધી સપ્ત ફેરા ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande