
વલસાડ, 3 નવેમ્બર (હિ.સ.): વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીને અંકુશ આપી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે મોટો જથ્થો ઝડપ્યો છે. દમણથી કરજણ તરફ અવૈધ રીતે લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસે ટેમ્પોમાંથી કુલ રૂ. 15.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અંદાજે રૂ. 4.91 લાખની કિંમતની 1440 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ શામેલ છે.
આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ PI એ.યુ. રોઝની આગેવાનીમાં કરવામાં આવી. ગુપ્ત સૂચનાના આધારે ધમડાચી પીરૂ ફળીયા નજીક ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટેમ્પો (GJ-06-BX-7079) રોકી તપાસ કરતાં દારૂના ડબ્બા પ્લાસ્ટિકના મોટા ડ્રમની અંદર છુપાવવામાં આવ્યા હતા તે બહાર આવ્યું. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના રહેવાસી 32 વર્ષીય મોસીન સમશાદ શેખ અને 36 વર્ષીય નાઝીમ સફીક શેખનો સમાવેશ થાય છે, જે હાલ વડોદરાના મકરપુરામાં રહે છે. પોલીસ દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
દારૂ સપ્લાય ચેઇનમાં સામેલ દમણના એક અજાણ્યા સપ્લાયર અને કરજણના અમિતભાઈ વિરુદ્ધ પણ તપાસ આગળ વધારવામાં આવી છે. વધુ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ વેગવંતી બનાવાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે