
અમદાવાદ, 3 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સિઝનમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. હવે માત્ર એક સવાલ અને ચર્ચા થઈ રહી છે કે, વરસાદ ક્યારે રોકાશે? અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડી છે. સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. જોકે, આજથી ત્રણ દિવસ ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાદ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. ઉપરાંત દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબસાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ હવે નબળી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યને આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. જોકે, આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આજે ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, માછીમારો માટે રાહતના સમાચાર એ છે કે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી અને દરિયાકિનારે લગાવાયેલું LC3 સિગ્નલ પણ હટાવી લેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ આજે સામાન્ય વરસાદની આગાહી છે. આ વર્ષે ચોમાસાએ ધમાકેદાર આંકડા નોંધાવ્યા છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 339 ટકા વધુ છે.
ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસના વિરામ બાદ આજે વહેલી સવારે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતાં. લગ્ન સરાની મોસમ હોવાથી લોકો પણ હેરાન થયા હતા. ઊંઝામાં સવારે પડેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે. દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ