
નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ.). ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક ચોક્સીએ ભારત પ્રત્યાર્પણ સામે અપીલ કરી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસશને આ અપીલ ફગાવી દીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ભારતીય એજન્સીઓની આશા મજબૂત થઈ છે કે ચોક્સીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો
બેલ્જિયમની કોર્ટના અધિકારી હેનરી વેન્ડરલિન્ડને જણાવ્યું હતું કે, કોર્ટ ઓફ કેસશને મેહુલ ચોક્સીની અપીલને ફગાવી દેતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોર્ટ ઓફ અપીલનો નિર્ણય માન્ય રહે છે. અગાઉ, એન્ટવર્પ ની કોર્ટ ઓફ અપીલે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને સમર્થન આપ્યું હતું અને તેને લાગુ કરવા યોગ્ય ગણાવી હતી.
29 નવેમ્બર, 2024 ના રોજ, પ્રી-ટ્રાયલ ચેમ્બરે ભારત દ્વારા જારી કરાયેલા 2018 અને 2021 ના ધરપકડ વોરંટને પણ સમર્થન આપ્યું. આ કાનૂની પુષ્ટિએ ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ લગભગ સાફ કરી દીધો, જેને હવે સુપ્રીમ કોર્ટે અંતિમ સ્વરૂપ આપ્યું છે.
ભારતની દલીલો સ્વીકારી, રાજકીય ઉત્પીડન નો દાવો ફગાવી દીધો
પ્રત્યાર્પણ પ્રક્રિયા દરમિયાન, ભારતીય એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલમાં સુવિધાઓના ફોટોગ્રાફ્સ અને વિગતવાર વર્ણન બેલ્જિયમની કોર્ટને પૂરા પાડ્યા. ભારતે ખાતરી આપી હતી કે, ચોક્સી સાથે તમામ માનવ અધિકારો અનુસાર વર્તન કરવામાં આવશે અને તેને ન્યાયી ન્યાયિક પ્રક્રિયા મળશે.
ચોક્સીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેને ભારતમાં રાજકીય ઉત્પીડન અને અમાનવીય વર્તનનું જોખમ છે, પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે આવા આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. તેથી ભારતને, તેને પરત લાવવાથી રોકવા માટે કોઈ આધાર નથી.
₹ 13,000 કરોડના કથિત પીએનબી કૌભાંડના સંબંધમાં ફરાર ચોક્સીના પ્રત્યાર્પણને ભારત માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. કોર્ટના આ નિર્ણય બાદ, ભારત સરકાર અને તપાસ એજન્સીઓ હવે ચોક્સીને દેશમાં પાછા લાવવા માટે ઔપચારિક તૈયારીઓ ઝડપી બનાવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ