
કરાચી, નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.). સોમવારે મોડી રાત્રે કરાચી અને આસપાસના વિસ્તારોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કરાચીના વિવિધ ભાગોમાં ભૂકંપ અનુભવાયો, જેના કારણે ચુંદરીગર રોડ, સદર, ક્લિફ્ટન, ટીપુ સુલતાન રોડ, પહેલવાન ગોઠ અને બહરિયા ટાઉનમાં ગભરાટ ફેલાયો.
દુનિયા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ગભરાયેલા રહેવાસીઓ તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા અને પવિત્ર કુરાનની આયતોનો પાઠ કરવા લાગ્યા. કરાચીમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.
રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્ર (ઇસ્લામાબાદ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કરાચીથી 87 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 12 કિલોમીટરની ઊંડાઈએ હતું. અગાઉ, બલુચિસ્તાન પ્રાંતમાં સિબી અને આસપાસના વિસ્તારોમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સિબીથી 53 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રના કિનારે આવેલું કરાચી પાકિસ્તાનનું સૌથી મોટું શહેર છે. તે પાકિસ્તાનનું મુખ્ય ઔદ્યોગિક અને નાણાકીય કેન્દ્ર છે, તેમજ તેનું મુખ્ય બંદર પણ છે. તેને પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. ભારતના ભાગલા પછી, કરાચી 1947 થી 1959 સુધી પાકિસ્તાનની રાજધાની રહી હતી. બાદમાં રાજધાની, ઇસ્લામાબાદ ખસેડવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ