
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) લોકસભાએ ગુરુવારે વિકસિત ભારત -
રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન (ગ્રામીણ) અથવા વીબી-જીરામજી બિલ, 2025, ધ્વનિ મતથી પસાર
કર્યું. તેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને ઉત્પાદન સુરક્ષા સુનિશ્ચિત
કરવાનો છે. બિલ પસાર થયા બાદ, લોકસભાને દિવસભર માટે મુલતવી રાખવામાં આવી હતી.
આ બિલ હાલના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી
અધિનિયમ (મનરેગા), 2005 ને બદલવાનો
પ્રયાસ કરે છે. આ નવો પ્રસ્તાવિત ગ્રામીણ રોજગાર કાયદો ગામડાઓમાં પ્રતિ ઘર 125 દિવસ રોજગાર
પૂરો પાડશે. તે વિકાસલક્ષી કાર્ય પર ભાર મૂકે છે અને કેન્દ્ર અને રાજ્યની
ભાગીદારીની જોગવાઈ કરે છે. કેન્દ્ર સરકાર ખર્ચના 60 ટકા યોગદાન આપશે, જ્યારે રાજ્યો 40 ટકા યોગદાન
આપશે. પર્વતીય રાજ્યોમાં,
ગુણોત્તર 90:10 હશે.
લોકસભામાં આ બિલ પર ગઈકાલે રાત્રે, લગભગ 1:30 વાગ્યા સુધી
ચર્ચા ચાલી હતી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ચર્ચાનો જવાબ આપ્યો
હતો.
જોકે, આ સમય દરમિયાન, વિપક્ષી સભ્યો ગૃહની મધ્યમાં સૂત્રોચ્ચાર કરતા રહ્યા.
ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મનરેગાની ખામીઓ તરફ
ધ્યાન દોરતા કહ્યું કે,”રાજ્યોએ શ્રમ પર વધુ ખર્ચ કર્યો છે અને સામગ્રીની ખરીદી પર
ઓછો ખર્ચ કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે,” નવી યોજના હેઠળ મોટી રકમનું ભંડોળ
ફાળવવામાં આવ્યું છે. આ વિશાળ ફાળવણી દ્વારા, અમે ફક્ત વધુ સારી રોજગારીની તકો ઉભી કરીશું અને વધુ નોકરીઓ
ઉત્પન્ન કરીશું નહીં, પરંતુ વિકસિત
ભારત મોડેલમાં ગામડાઓના વિકાસ માટે આ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ થાય તે પણ
સુનિશ્ચિત કરીશું.
તેમણે જણાવ્યું હતું કે,”વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
કલ્પના કરાયેલ વિકસિત ભારત મોડેલમાં, ગામડાઓ આત્મનિર્ભર, રોજગારથી સમૃદ્ધ, ગરીબી મુક્ત અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ ગામડાઓ
ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ
કેન્દ્રો, ડિજિટલ વર્ગખંડો, પુસ્તકાલયો, તાલીમ કેન્દ્રો, કમ્પ્યુટર લેબ
અને અન્ય પ્રયોગશાળાઓ પ્રદાન કરશે. આ સુનિશ્ચિત કરશે કે, કોઈ બાળક શિક્ષણમાં પાછળ
ન રહે.”
નામના વિવાદ અંગે ચૌહાણે જણાવ્યું હતું કે,” ગામડાના વિકાસ
માટેની યોજનાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે. મનરેગા પહેલા પણ, એક પછી એક
સરકારોએ રોજગાર ગેરંટી યોજનાઓ શરૂ કરી હતી. 2009 ની ચૂંટણીઓ પહેલા મહાત્મા ગાંધીનું નામ મનરેગા
કાર્યક્રમમાં ઉમેરવામાં આવ્યું હતું.” પ્રિયંકા ગાંધીના આરોપોના જવાબમાં, ચૌહાણે, એવી
યોજનાઓની યાદી આપી હતી જેમાં નેહરુ અને ગાંધીના નામ હતા. ચૌહાણે કોંગ્રેસ પાર્ટી
પર ગાંધીના આદર્શોનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો. ચૌહાણે જણાવ્યું હતું કે,”
કોંગ્રેસ પાર્ટીએ ભારતના ભાગલાને સ્વીકાર્યો હતો અને ગાંધીજીના પક્ષને વિખેરી
નાખવાના આહ્વાનને નકારી કાઢ્યું હતું.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ