
કોલ્લમ, નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ.સ.): કોલ્લમ સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી ) ને કેરળના સબરીમાલા મંદિરમાંથી સોનાના ગાયબ થવા અંગે ઔપચારિક તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે રાજ્યની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) ને ફર્સ્ટ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એફઆઈએસ), ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) અને રિમાન્ડ રિપોર્ટ સહિતના તમામ મુખ્ય દસ્તાવેજો ઇડી ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઈટી એ ઇડી ની સમાંતર તપાસ સામે વાંધો ઉઠાવ્યો હતો, એવી દલીલ કરી હતી કે, તે ચાલુ તપાસને જોખમમાં મૂકી શકે છે. જોકે, કોર્ટે આ વાંધાઓને ફગાવી દીધા હતા. કોર્ટે જણાવ્યું હતું કે ઇડી પાસે નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગની તપાસ કરવાનો અધિકારક્ષેત્ર છે. કેરળ હાઇકોર્ટે અગાઉ કેન્દ્રીય એજન્સીની તપાસનો માર્ગ મોકળો કર્યો હતો.
દરમિયાન, હાઇકોર્ટે આ કેસમાં સામેલ ત્રણ ભૂતપૂર્વ ટોચના અધિકારીઓની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. તેમાં એન. વાસુ (ભૂતપૂર્વ દેવસ્વોમ બોર્ડ ચેરમેન), મુરારી બાબુ (ભૂતપૂર્વ વહીવટી અધિકારી) અને કે.એસ. બૈજુ (ભૂતપૂર્વ કમિશનર). હાઈકોર્ટના ન્યાયાધીશ એ. બદરુદ્દીન એસઆઈટી ની દલીલો સાથે સંમત થયા હતા, તેમણે જણાવ્યું હતું કે, તપાસ નિર્ણાયક તબક્કા પર છે અને આરોપીઓની મુક્તિ પુરાવા સંગ્રહમાં અવરોધ લાવી શકે છે. એસઆઈટી નો આરોપ છે કે મંદિરના ગર્ભગૃહની છત માટે બનાવાયેલ સોનાના ઢોળેલા ચાદરનો કથિત રીતે ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા સત્તાવાર રજિસ્ટરમાં તાંબા તરીકે નોંધ કરવામાં આવી હતી. સબરીમાલા મંદિરના નવીનીકરણ દરમિયાન સોનાનું ગાયબ થવું, હવે રાજકીય ચર્ચા બની ગયું છે. વિપક્ષી નેતા શફી પરમ્બિલે આગામી ચૂંટણીઓમાં તેને મુખ્ય મુદ્દો બનાવવાનું વચન આપ્યું છે અને મંદિરની મિલકતોના સરકારના સંચાલન પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જો કે, ઇડી ને તપાસ કરવાની પરવાનગી મળ્યા પછી હવે તપાસનો વ્યાપ વધી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ઉદય કુમાર સિંહ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ