
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર
ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલવા માટે વિકાસ ભારત - રોજગાર અને આજીવિકા મિશન
(ગ્રામીણ) બિલ, જેને ‘વીબી-જી રામ જી' બિલ તરીકે પણ
ઓળખવામાં આવે છે, રજૂ કરવા સામે
વિરોધ પક્ષોના સાંસદોએ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય
પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદો કેસી વેણુગોપાલ, પી ચિદમ્બરમ, પ્રમોદ તિવારી, દિગ્વિજય સિંહ, સૈયદ નસીર હુસૈન, ધર્મેન્દ્ર યાદવ અને શિવસેના (યુબીટી) ના અરવિંદ સાવંત
વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહ્યા હતા. પોસ્ટરો પકડીને, વિરોધ કરી રહેલા
સાંસદોએ મનરેગા પાછો આપો, ગરીબોના અધિકાર છીનવી લેવાનું બંધ કરો, મજૂરોના અધિકાર
પાછા આપો, મનરેગા અમર
રહો જેવા નારા પણ લગાવ્યા.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ પત્રકારોને જણાવ્યું હતું કે,” આ
ફક્ત મનરેગાનું નામ બદલવાની વાત નથી, પરંતુ કામ કરવાનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ છે. સરકાર
પોતાની વિવેકબુદ્ધિથી કામ પૂરું પાડશે અને પછી કોઈ માંગણી નહીં હોવાનો દાવો કરીને
તે આપવાનો ઇનકાર કરશે”. વિપક્ષે આરોપ લગાવ્યો કે, સરકારે કામ કરવાના અધિકારને
દબાવવાનો પ્રયાસ કર્યો છે,
જે ભારતના
ગામડાઓમાં સામાજિક અને આર્થિક પરિવર્તન લાવે છે. અમે સંસદથી શેરીઓ સુધી આની
સામે લડીશું.
કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે,” આ ગરીબ
વિરોધી અને મજૂર વિરોધી સરકાર દ્વારા લોકોના કામ કરવાનો અધિકાર છીનવી લેવાનો
પ્રયાસ છે.”
આમ આદમી પાર્ટીના સાંસદ માલવિંદર સિંહ કાંગે કહ્યું કે,”
મનરેગા યોજનાએ ગરીબોને સૌથી વધુ રોજગારની તકો પૂરી પાડી છે. નવા બિલમાં કામકાજના
દિવસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ પીક કૃષિ સિઝન દરમિયાન કામ પૂરું પાડવામાં આવશે નહીં.
જો મનરેગા હેઠળ કામ ઉપલબ્ધ ન હોય અને ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ હોય, તો ખાનગી ક્ષેત્ર
પોતાની વિવેકબુદ્ધિથી વેતન નક્કી કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ