
નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિ.સ.). ગોવા મુક્તિ દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, શુક્રવારે ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની હિંમત અને બલિદાનને નમન કર્યા અને ગોવાના લોકોને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ગોવા મુક્તિ દિવસ પર, રાષ્ટ્ર સંસ્થાનવાદી શાસન સામે અવિરત લડત આપનારા નાયકોને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે સ્વતંત્રતા સેનાનીઓ અને સશસ્ત્ર દળોના અતૂટ સંકલ્પ અને સમર્પણને નમન કરતાં, ગોવાના લોકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર શેર કરેલા સંદેશમાં કહ્યું કે, ગોવા મુક્તિ દિવસ દેશની રાષ્ટ્રીય યાત્રામાં એક નિર્ણાયક પ્રકરણની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે, અન્યાય સામે ઉભા રહેલા અને સ્વતંત્રતા માટે લડનારાઓની અદમ્ય હિંમત આજે પણ પ્રેરણા આપે છે અને ગોવાના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો માર્ગદર્શન આપતા રહે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવાના લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, 1961 સુધી ભારતીયોને ગોવાની મુલાકાત લેવાની પરવાનગી લેવી પડતી હતી. તેમણે ગોવાની મુક્તિ માટે લડનારા મહાન વ્યક્તિઓને યાદ કર્યા, જેમાં પ્રભાકર વૈદ્ય, બાલા રાય માપારી, નાનાજી દેશમુખ અને જગન્નાથ રાવ જોશીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ દેશભક્તોના બલિદાન પછી જ ગોવા ભારતનો અભિન્ન ભાગ બન્યું.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. 1961માં આ દિવસે ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ વસાહતી શાસનમાંથી મુક્ત થયા હતા. તે સમયે, દેશ પર પોર્ટુગીઝ શાસન કરતા હતા.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ