
વોશિંગ્ટન, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.): અમેરિકી સૈન્યએ શુક્રવારે મધ્ય અને પૂર્વી સીરિયાના ગ્રામીણ વિસ્તારોમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના ડઝનબંધ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓ 13 ડિસેમ્બરના રોજ પાલમિરામાં થયેલા હુમલાના જવાબમાં હતા, જેમાં બે અમેરિકી સૈનિકો અને એક દુભાષિયા માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલાને બદલો લેવાની કાર્યવાહી ગણાવી હતી. સીરિયન સરકારે અમેરિકાની કાર્યવાહીને સમર્થન આપ્યું છે.
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, બદલો લેવાની કાર્યવાહીમાં ઘણા આઈએસઆઈએસ લડવૈયાઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી આઈએસઆઈએસ લડવૈયાઓ, તેમના માળખાગત સુવિધાઓ અને શસ્ત્રોના સંગ્રહ સુવિધાઓનો નાશ કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની ઘોષણા હતી.
પેન્ટાગોને આ બદલો લેવાની કાર્યવાહીને ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક નામ આપ્યું છે, જે 13 ડિસેમ્બરના હુમલામાં માર્યા ગયેલા બે અમેરિકી સૈનિકો અને એક દુભાષિયાના મૃત્યુનો બદલો લેવા માટે શરૂ કરવામાં આવી હતી.
અલ-મોનિટરે એક અમેરિકન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ લગભગ 2:15 વાગ્યા સુધીમાં, 70 થી વધુ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી એરફોર્સના એફ-15એસ, એ-10 ટેન્ક-બસ્ટર્સ અને યુએસ આર્મી અપાચે હેલિકોપ્ટર, યુએસ ગ્રાઉન્ડ-બેઝ્ડ હિમાર્સ સિસ્ટમ્સ અને રોયલ જોર્ડનિયન એરફોર્સના એફ-16 વિમાનોએ ભાગ લીધો હતો. આવા મોટા હુમલા આગામી કલાકોમાં અને મંગળવાર સવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, 13 ડિસેમ્બરના રોજ પાલમિરામાં અમેરિકી લશ્કરી પ્રતિનિધિમંડળ પર થયેલા હુમલા માટે આઈએસઆઈએસ ને દોષી ઠેરવ્યું હતું અને તેના માટે કડક સજાની જાહેરાત કરી હતી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ કોમ) એ, આ હુમલા માટે આઈએસઆઈએસ ને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું હતું, જોકે આઈએસઆઈએસ એ સીધી જવાબદારી સ્વીકારી ન હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ