
ગાંધીનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓના કારણે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. આજે ગાંધીનગર ખાતે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં રાજીનામું સોપ્યું હતું. આ રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષએ સ્વીકાર કર્યો હતો.
પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે, જેઠાભાઈ આહીર અમારા સંનિષ્ઠ સહકારી આગેવાન છે અને તેઓ પંચમહાલ ડેરી, નાફેડ સહિત અન્ય સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેથી કામના ભારણ અને વ્યસ્તતાના લીધે અગાઉ ઘણી વખત પક્ષમાં રજૂઆત કરી હતી. આથી પક્ષ દ્વારા તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખીને રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. જેઠાભાઈએ આજે રાજીખુશીથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્વેચ્છાએ આ રાજીનામુ આપ્યું છે. તેઓ સહકારી આગેવાન સાથે હાલ ધારાસભ્ય પણ છે એટલે એ જવાબદારી સુપેરે નિભાવશે. આ ઉપરાંત જેઠાભાઈનું માર્ગદર્શન પક્ષમાં, જાહેર જીવનમાં અને સહકારી ક્ષેત્રે આગેવાન તરીકે જ્યારે જરૂર પડે ત્યારે સદૈવ મળતું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ