

ગાંધીનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ (સુશાસન દિવસ) નિમિત્તે ગાંધીનગર શહેરને વધુ એક નવું નજરાણું પ્રાપ્ત થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ‘ચ-૦૩’ સર્કલનું નવીનીકરણ કરી તેને ‘અટલ સર્કલ’ (સુશાસન સર્કલ) તરીકે જાહેર જનતા માટે લોકાર્પિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે સર્કલ પર સ્થાપિત અટલજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરી ભાવભીની અંજલિ અર્પી હતી.
આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા અટલ બિહારી વાજપેયીજીની ૧૨ ફૂટ ઊંચાઈ ધરાવતી બ્રોન્ઝ ધાતુની મૂર્તિ છે, જેની ડિઝાઈન દેશના સુપ્રસિદ્ધ શિલ્પકાર ડો. રામ વાનજી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો સંપૂર્ણ ખર્ચ વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં મેયરને ફાળવવામાં આવેલ લોકસુવિધા અને વિકાસકામોની ખાસ ગ્રાન્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે. સમગ્ર સર્કલના નવીનીકરણ પાછળ આશરે રૂ. ૧.૧૯ કરોડનો ખર્ચ થયો છે, જેમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ, ફેન્સિંગ અને પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે.
આ લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર (ઉત્તર) ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય રમણલાલ વોરા, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર તથા મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા (IAS) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત ‘અટલ સર્કલ’ ગાંધીનગર શહેરની સુંદરતામાં વધારો કરવાની સાથે નગરજનો માટે પ્રેરણાસ્ત્રોત અને રસ્તાઓની નવી ઓળખ તરીકે ઉભરી આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ