
સુરત, 25 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં 25 ડિસેમ્બરની સવારે એક હૃદય ધડકાવતી ઘટના બની હતી. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા એક આધેડ વ્યક્તિ 10મા માળે બારી પાસે સૂતા સમયે અચાનક ગબડી ગયા હતા. તેઓ સીધા નીચે ન પડીને 8મા માળની બારીની ગ્રિલમાં પગ ફસાઈ જતા જીવન અને મોત વચ્ચે લટકાઈ ગયા હતા.
આધેડનો પગ ગ્રિલમાં ફસાઈ જતાં તેઓ લાંબા સમય સુધી હવામાં લટકેલા રહ્યા, જેના કારણે તેમની સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હતી. ઘટના નજરે પડતાં આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ખૂબ જ સાવચેતીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર કર્મચારીઓએ આધેડની કમરે દોરડું બાંધી તેમને બારીમાંથી અંદર ખેંચી સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન હાજર લોકોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને જોઈ લોકોમાં ચોંકાવનારી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. સદભાગ્યે, સમયસર બચાવ થતાં આધેડનું જીવ બચી ગયો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે