

પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલા ‘સાંસદ ખેલ મહોત્સવ’નો સમાપન સમારોહ પાટણના એ.પી.એમ.સી. હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતના યુવાનો આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને ખેલાડીઓને સંપૂર્ણ સમર્પણ ભાવથી રમત રમવાની પ્રેરણા આપી હતી.
આ સમારોહ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપરાંત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત અનેક લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ હતી. બાસ્કેટબોલમાં અંડર-14 બહેનોમાં ટી.ડી.એસ.વી. સ્માર્ટ વિદ્યાલય અને અંડર-17 તથા ઓપન એજ બહેનોમાં બી.ડી. સાર્વજનિક વિદ્યાલય પ્રથમ સ્થાને રહ્યા હતા. વોલીબોલમાં ઓપન એજ બહેનોમાં D.S.C.C. પાટણ અને ભાઈઓમાં ન્યુ એસ.એસ. પાટણની ટીમ વિજેતા બની હતી.
વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગમાં વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ પ્રથમ સ્થાન મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. સમાપન સમારોહ દરમિયાન તમામ વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ