
સુરત, 25 ડિસેમ્બર (હિ.સ.) સચિન GIDC વિસ્તારમાં હાથ અડી જવાની બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે આશરે 20 જેટલા લોકોના ટોળાએ એક યુવક પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ટોળું યુવક પર તૂટી પડતું સ્પષ્ટ રીતે જોવા મળે છે.
હુમલામાં ઘાયલ થયેલા યુવકે જણાવ્યું હતું કે મારપીટ થયા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ તેની સાથે યોગ્ય વ્યવહાર ન કરવામાં આવ્યો. પીડિતનો આરોપ છે કે ફરિયાદ લેવાને બદલે તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેને વધુ માનસિક ત્રાસ સહન કરવો પડ્યો.
ઘટનાના CCTV દ્રશ્યો જાહેર થતાં વિસ્તારમાં ચર્ચા જોર પકડી છે. પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTVના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે