

પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૨ (૧૯૨૫)માં નાગપુર ખાતે થઈ હતી. સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ‘પંચ પરિવર્તન’ વિષયક ઘર-ઘર સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને નાગરિક કર્તવ્યો પર ભાર મૂકવામાં આવે છે.
આ જ અનુસંધાને મહેસાણા વિભાગના હારીજ અને રાધનપુર નગરની વિચરતી વિમુક્ત ઘુમંતુ વાદી વસાહતોમાં સંપર્ક અભિયાન યોજાયું હતું. રાધનપુરમાં ઘુમંતુ કાર્ય વિભાગના સંયોજક, પ્રાંત સહ-સંયોજક તથા નગરના કાર્યકર્તાઓ દ્વારા ઘર-ઘર સંપર્ક કરવામાં આવ્યો. આ અભિયાનમાં સજ્જન શક્તિ, ડોકટરો અને સંત શક્તિ તરીકે બંધવડ ગાદીપતિ મહંત સંજીવનદાસ બાપુ પણ જોડાયા હતા.
સંપર્ક અભિયાન પૂર્ણ થયા બાદ જોગમાયાના મંદિરે વાદી સમાજના બંધુઓ સાથે બેઠક યોજાઈ હતી. તેમાં હારીજ અને રાધનપુરના સમાજ આગેવાનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બાપુએ આરએસએસ અને પંચ પરિવર્તન અંગે માહિતી આપી તથા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ