
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : શિયાળાની કડકડતી ઠંડીમાં છેલ્લા 13- 14 દિવસથી રસ્તા પર રહેતી 60 વર્ષીય અજાણી વૃદ્ધ મહિલાની 181 અભયમ હેલ્પલાઈન વ્હારે આવી હતી અને પરિજનો મળી ન આવે ત્યાં સુધી સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરી હતી.
એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇને કોલ કરી બારડોલી તાલુકાના મઢી ગામે શાળાની નજીક એક અજાણી વૃદ્ધ મહિલા છેલ્લા બે અઠવાડિયાથી એકલી બેઠી રહેતા હોવાથી મદદ માટે જણાવ્યું હતું. જેથી 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બૂબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તથા પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સ્થાનિક લોકો સાથે પૂછપરછ તથા કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા મરાઠી ભાષામાં વાત કરે છે, પરંતુ પરિવાર, સરનામું કે ઓળખ સંબંધિત કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતી ન હતી. તેમની પાસે કોઈ દસ્તાવેજ પણ ન હતા અને આજુબાજુના વિસ્તારમાં તપાસ છતાં કોઈ ઓળખ મળી ન હતી.
વૃદ્ધ મહિલાની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181 ટીમ દ્વારા તેમને ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમ-તરભોણમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. જો કોઈને આ વૃદ્ધ મહિલાની ઓળખ અંગે જાણકારી હોય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન અથવા ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ, તરભોણનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે