
ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા આવા ગંભીર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર છે, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
નવા વર્ષના હર્ષોલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નાગરીકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડથી નાગરિકોને બચવવા સાયબર ક્રાઈમ ટીમ ૨૪*૭ કાર્યરત છે.
સરકાર ટેકનોલોજીના માધ્યમથી તમામ નાગરીકોને સુરક્ષા પૂરી પાડી રહી છે, પરંતુ નાગરિકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. જો કોઈ નાગરિક આકસ્મિક રીતે સાયબર ફ્રોડનો ભોગ બને, તો વિલંબ કર્યા વગર તુરંત ૧૯૩૦ નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવવાથી સાયબર ફ્રોડને અટકાવી શકાય છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ લિંક્સ ફરતી થઈ છે. જેમાં તમારા નામનું સ્પેશિયલ કાર્ડ જુઓ અથવા ફ્રી ગિફ્ટ મેળવવા લિંક ખોલો જેવા આકર્ષક મેસેજ વાસ્તવમાં સાયબર ક્રિમિનલ્સની જાળ હોઈ શકે છે. આવી કોઈપણ પ્રકારની લિંક ન ખોલવા નાગરીકોને અનુરોધ છે.
આ પ્રકારની અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસયુક્ત ફાઈલ ડાઉનલોડ થઈ શકે છે. આ વાયરસ તમારા સ્માર્ટફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે. તમારી એક નાની ભૂલના કારણે બેંક એકાઉન્ટની વિગતો, OTP, ખાનગી ફોટા અને અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે. જેથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે માત્ર સાદા ટેક્સ્ટ મેસેજ, ફોટા કે વિડીયોનો જ આગ્રહ રાખવો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અને કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન 'ઇન્સ્ટોલ' કે 'અપડેટ' નહીં કરવી. તદુપરાંત, અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ