
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના નાગવાસણ વિસ્તારમાં ઘરકામ બાબતે થયેલા ઝઘડામાં 32 વર્ષીય મહિલાને તેના પતિ અને સસરાએ ગંભીર માર મારી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત મહિલાએ પોતાના પિયર જઈ સારવાર લીધા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ નાગવાસણમાં રહેતી અર્ચનાબેન (નામ બદલેલ)ને ગત તા. 27/12/25ના રોજ તેના પતિ રાહુલે (નામ બદલેલ) કામ ન કરવા બાબતે ઝઘડો કર્યો હતો. પોતાની તબિયત સારી ન હોવાનું જણાવતા સસરા ઉશ્કેરાઈ ગયા અને લાકડાના ધોકાથી માથા તથા બરડાના ભાગે હુમલો કર્યો હતો, જ્યારે પતિએ પણ ગડદાપાટુનો માર માર્યો હોવાનો ઉલ્લેખ છે.
મારામારી બાદ પતિએ અર્ચનાબેનને ઘરમાંથી કાઢી મૂકી હતી અને બાળકો આપવા પણ ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ મહિલા એકલી ચાલીને પોતાના પિયર પહોંચી હતી. મહિલાના ભાઈએ વધુ સારવાર માટે તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ