
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : એક તરફ જ્યાં દેશ-દુનિયામાં લોકો નવા વર્ષની ઉજવણી પાર્ટી અને નશા સાથે કરે છે, ત્યારે સુરતમાં નવા વર્ષ 2026નું સ્વાગત સંપૂર્ણ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના સાથે કરવામાં આવી રહ્યું છે. સુરતના અમરોલી–કોસાડ વિસ્તારમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષ 2025ની વિદાઈ અને નવા વર્ષ 2026ના આગમનના સ્વાગત માટે 9 કુંડીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ તથા શનિદેવ મહારાજનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે.
આ મહાયજ્ઞમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી આહુતિ અર્પણ કરી રહ્યા છે. વિશ્વ કલ્યાણના હેતુથી આયોજિત આ સાર્વજનિક નવ દિવસીય મહાયજ્ઞનું આયોજન પરમ ભગવતી સાધક, તપોનિધિ સંત સ્વામી વિજયાનંદ પુરી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં શ્રી શનિ હનુમાન મંદિર સેવા સમિતિ, વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ ગુરુજીના ભક્તગણ જોડાયા છે.
મહાયજ્ઞ દરમિયાન
સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી
બપોર પછી 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી
ભક્તો દ્વારા નિયમિત આહુતિ આપવામાં આવી રહી છે.
કોસાડ ગામના અગ્રણી રાજુભાઈ પટેલ તથા વેદાંત ગ્રુપ દ્વારા આ ધાર્મિક આયોજનમાં વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
24 ડિસેમ્બરથી શરૂ થયેલ આ મહાયજ્ઞનું 1 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણાહુતિ સાથે સમાપન થશે. ત્યારબાદ ભક્તો માટે વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવશે.
જ્યારે એક તરફ લોકો નવા વર્ષને વિવિધ રીતે ઉજવે છે, ત્યારે સુરતમાં ભક્તો મહાયજ્ઞમાં આહુતિ આપી ઈશ્વર સ્મરણ સાથે નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે, જે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે