
નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, મત ચોરી એ સૌથી મોટું રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. મતદાન એ સમગ્ર દેશનું મૂળ છે, અને તેના કારણે જ વિધાનસભા અને સંસદ સહિત તમામ સંસ્થાઓ અસ્તિત્વમાં છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચામાં ભાગ લીધો અને કેન્દ્ર સરકાર દ્વારા મત ચોરી અને સંસ્થાકીય કબજાના તેમના અગાઉના આરોપોનું પુનરાવર્તન કર્યું. તેમણે અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવેલી માંગણીઓનો પણ પુનરાવર્તન કર્યો. તેમણે મશીન-રીડેબલ મતદાર યાદી, સીસીટીવી ફૂટેજની માંગ કરી અને આરોપ લગાવ્યો કે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન મત ચોરી થઈ હતી.
તેમણે હરિયાણા મતદાર યાદીમાં એક બ્રાઝિલિયન મહિલા કથિત રીતે ઘણી વખત દેખાઈ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો, અને ચર્ચા દરમિયાન કોંગ્રેસના અન્ય સભ્યોએ તેનો ફોટો લહેરાવ્યો. લોકસભાના અધ્યક્ષે આનો વાંધો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા હોવા છતાં, 1.02 લાખ લોકોના મતદારોના ફોટા સમાન છે.
કેન્દ્ર સરકાર પર ચૂંટણી પંચ પર કબજો કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાની પ્રક્રિયામાં પહેલા ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં વડા પ્રધાન, અન્ય એક મંત્રી અને વિરોધ પક્ષના નેતાની બનેલી પસંદગી સમિતિ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી પંચની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પોતે હાજર હોય છે, પરંતુ તેમનો એક મત, બીજા બે મત સામે કામ લાગતો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો છે, જેનાથી ચૂંટણી કમિશનરોને તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ગેરવર્તણૂકથી મુક્તિ મળી છે. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા પછી, તેઓ આમાં ફેરફાર કરશે અને આવા ચૂંટણી કમિશનરોને પકડી પાડશે. તેમણે કહ્યું કે, સીસીટીવી સંબંધિત નિયમો જાણી જોઈને બદલવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ સરકાર પર સંસ્થાઓ પર કબજો કરવાનો આરોપ લગાવીને પોતાના ભાષણની શરૂઆત કરી. જોકે શાસક પક્ષે આનો વિરોધ કર્યો હતો, પરંતુ લોકસભા અધ્યક્ષે પોતે રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, તેઓ કોઈ પણ બાબતમાં ખચકાટ ન કરે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ