•રશિયાના ભાઈ-બહેનોનું તિલક, મુગટ, પટ્ટો અને શાલ પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું
•શિવરાત્રીનું મહત્વ, રહસ્યો વિશે માહિતી આપી રશિયામાં સેવાના અનુભવો વર્ણવ્યા બી.કે.સંતોષ દીદીજી
•રશિયાથી પધારેલા 5 દેશોના ભાઈ-બહેનોએ ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું
ભરૂચ 21 ફેબ્રુઆરી (હિ.સ.). 9મી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ અનુભુતીધામ ઝાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રશિયા સેન્ટ પીટર્સબર્ગ સેવા કેન્દ્રના ઈન્ચાર્જ અને રશિયા બ્રહ્મા કુમારીઝ સંયોજક બી.કે.સંતોષ દીદીજી અને જ્ઞાન સરોવરના નિયામક અને ભરૂચ બ્રહ્મા કુમારીઝ સબઝોન ઈન્ચાર્જ બી.કે.પ્રભાદીદીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને તમામ આમંત્રિત મહેમાનોનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સત્ર દરમિયાન રશિયાથી પધારેલા ભાઈ-બહેનોનું તિલક, મુગટ, પટ્ટો અને શાલ પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રશિયાથી પધારેલ બી.કે.સંતોષ દીદીજીએ શિવરાત્રીના પર્વ નિમિત્તે વિશેષ વર્ગનું સંચાલન કરતાં તમામ બ્રહ્મવત્સોને શિવરાત્રીનું મહત્વ અને તેને લગતા રહસ્યો વિશે માહિતગાર કર્યા હતા અને રશિયામાં પોતાના સેવાના અનુભવો રજૂ કર્યા હતા. રશિયાથી પધારેલા 5 દેશોના ભાઈ-બહેનોએ ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું જે આ કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્રમાં રહ્યું હતું.શિવ ધ્વજારોહણ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલાબહેન પટેલ અને અધિક કલેક્ટર એન આર ધાંધલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા બી.કે.પ્રભાદીદીજીએ આશીર્વચન પાઠવી સૌને શિવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી હતી. બાદમાં શિવ જયંતિ નિમિત્તે કેક કાપી બાબાને પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો અને સ્વાદિષ્ટ બ્રહ્મા ભોજન પણ પીરસવામાં આવ્યું હતું જેમાં 400 જેટલા બ્રહ્માકુમારીઝના ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ