ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) :
તાજેતરમાં જ અમલમાં મૂકવામાં આવેલી આઉટડોર પબ્લિસિટી પોલિસીના ચુસ્તપણે અમલીકરણ માટે ગેરકાયદેસર હોર્ડીંગ/ બેનર લગાવનાર સામે કડક કાર્યવાહી શરું કરી દેવામાં આવી છે. શહેરમાં પૂર્વમંજૂરી વગર લગાવવામાં આવેલ બેનર સામે ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ‘કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી’ સંસ્થાને શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર તેમજ કીઓસ્ક લગાવવા બદલ રૂ. 1,73,000/-ની વહીવટી ચાર્જની નોટિસ ફટકારવામાં આવી છે. સંસ્થાને દિન-7માં વહીવટી ચાર્જની ભરપાઈ કરવા તેમજ ભવિષ્યમાં આ પ્રકારના બેનર તેમના દ્વારા લગાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપવા કડક નોટિસ પાઠવવામાં આવી છે.
આ ઉપરાંત શહેરની ‘કિશોર ક્લાસિસ’ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનર તેમજ સ્ટીકરસ લગાવવામાં આવેલ હતા. તે અંગે સંસ્થાને નોટિસ આપવામાં આવેલ, જે બાદ પણ સંસ્થા દ્વારા બેનર હટાવવામાં ન આવતા રૂ. 54900/- ની વહીવટી ચાર્જની નોટિસ ફટકારવામાં આવી છે. સંસ્થાને દિન-7 માં વહીવટી ચાર્જની ભરપાઈ કરવા તેમજ ભવિષ્યમાં આ પ્રકારના બેનર તેમના દ્વારા લગાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપવા કડક નોટિસ પાઠવવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ કંપની કે વ્યક્તિને માફ કરવામાં આવશે નહીં. આ કાર્યવાહી માત્ર શરૂઆત છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકા શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા તેમજ પોલિસીના અમલીકરણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે પૂર્વમંજૂરી વગર ગેરકાયદેસર રીતે લાગતાં આ પ્રકારના હોર્ડીંગ/ બેનર સામે ગાંધીનગર મહાનગરપાલિકાની કાર્યવાહી આ જ પ્રમાણે ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ