ભાવનગર,25 ફેબ્રુઆરી (હિ.સ.) વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય યાત્રિયોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. હાલમાં મહાશિવરાત્રીના મેળાને કારણે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ છે. મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ સ્ટેશન પર વિવિધ વિભાગોના કર્મચારીઓ ટીમ બનાવી સેવા આપી રહ્યા છે. 24 ફેબ્રુઆરી, 2025 (સોમવાર)ના રોજ, વેરાવળથી ભાવનગર જતી ટ્રેનમાં ચડેલી મહિલા મુસાફરની ટ્રોલી બેગ ભીડને કારણે ભૂલથી પ્લેટફોર્મ પર છુટી ગયો હતો. જ્યાં ટ્રોલી બેગ મુકવામાં આવી હતી ત્યાં ભાવનગર મંડળના “સેન્ટ જોન એમ્બ્યુલન્સ બ્રિગેડ” ના કર્મચારીઓ હાજર હતા. ટ્રેન રવાના થયા બાદ બેગને લાવારિશ હાલતમાં જોઈને તેઓએ તેને પોતાની સુરક્ષામાં લઈ લીધી.
ટ્રેન જૂનાગઢથી નીકળી ત્યારે મહિલા રેલ્વે મુસાફરને તેની બેગ યાદ આવી ગઈ હતી, જેથી તેણીએ તેના સંબંધીને ફોન કરી જાણ કરી હતી અને પ્લેટફોર્મ પર ટ્રોલી બેગ શોધવા જણાવ્યું હતું. મહિલા રેલ્વે મુસાફરના સંબંધી ટ્રોલી બેગની શોધ કરતી વખતે “સેન્ટ જોન એમ્બ્યુલન્સ બ્રિગેડ”ની ટીમ પાસે પહોંચ્યા. તેણે બેગને પોતાની જણાવીને ટ્રોલી બેગને તેમને સૌંપવા માટે વિનંતી કરી, ત્યારબાદ સેન્ટ જોન એમ્બ્યુલન્સ બ્રિગેડ ના ટીમના સભ્યો હરિઓમ જાજોરિયા, જગદીશ સૈની અને અમિત કુમારે બેગની અંદર રાખેલી વસ્તુઓ વિશે પૂછપરછ કરી અને મહિલા રેલ્વે પેસેન્જર સાથે વાત કર્યા પછી અને સંતુષ્ટ થયા પછી, ટ્રોલી બેગ તે વ્યક્તિને આપી. ટ્રોલી બેગ સલામત રીતે મળ્યા પછી, મહિલા મુસાફર અને તેના સંબંધીએ રેલ્વે પ્રશાસન અને સેન્ટ જોન એમ્બ્યુલન્સ બ્રિગેડ ની ટીમનો આભાર માન્યો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ