જૂનાગઢ 28 મે (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન આગામી તા.૧૯ જુનના રોજ યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરાયું છે. આ કોમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશનમાં ૧૦૫૯ જેટલા અધિકારી-કર્મચારીની પ્રિસાઈડિંગ, પોલીંગ-૧ અને પોલીંગ ઓફિસર તરીકેની ફરજ નક્કી થઈ છે.
કલેક્ટર કચેરી ખાતે આ રેન્ડમાઇઝેશનમાં ૧૦૫૯ અધિકારીઓ- કર્મચારીઓની ચૂંટણી ફરજ નક્કી કરવામાં આવી છે. આગામી દિવસોમાં યોજાનાર બીજા રેન્ડમાઇઝેશનમાં ટીમ ફોર્મેશન અને ત્રીજા રેન્ડમાઇઝેશનમાં બુથની ફાળવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તે માટે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સિસ્ટમના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજ સોંપણી કરવામાં આવે છે. આ તકે નિવાસી અધિક કલેકટર પી.એ.જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ