પાટણ, 28 મે (હિ.સ.)આગામી 29મી મે, 2025ના રોજ પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ અંતર્ગત 'ઓપરેશન શિલ્ડ' નામની મોટી મોકડ્રીલ યોજાનાર છે. આ ડ્રીલ સાંજે 5 થી 8 વાગ્યા સુધી ચાલશે અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં, ખાસ કરીને મિસાઇલ કે ડ્રોન હુમલાની સ્થિતિમાં, ઇજાગ્રસ્તોને બચાવવા અને તાત્કાલિક સારવાર આપવા માટે તાલીમ આપવામાં આવશે.
મોકડ્રીલ માટે પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં તેમજ બીપીસીએલ અને આઇઓસીએલ ટર્મિનલ સિધ્ધપુર, જીઆઇડીસી સિધ્ધપુર, રાધનપુર આઇઓસીએલ પાઇપલાઇન યુનિટ, સાંતલપુરમાં એચપીસીએલ પંપિંગ સ્ટેશન અને સરહદી આઠ ગામો સહિત કુલ 18 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર તુષારકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ, રાત્રે 8 થી 8:30 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. આ દરમિયાન સ્ટ્રીટ લાઇટો, હોર્ડિંગ્સ અને દુકાનોની લાઇટો બંધ રાખવી રહેશે. કલેક્ટરે નાગરિકો અને તાલીમબદ્ધ વોલન્ટિયર્સને મોકડ્રીલમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર