પાટણ, 29 મે (હિ.સ.)પાટણ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરીને વધુ સરળ બનાવવા માટે ત્રણ સેવાકીય સંસ્થાઓ – નીરજ સેવા ટ્રસ્ટ, પાટણ એપીએમસી અને શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ સંસ્થાઓના સહયોગથી શહેરના ચાર મહત્વના સ્થળોએ આધુનિક ટ્રાફિક ડોમ સ્થાપિત કરવામાં આવ્યા છે. ટ્રાફિક ડોમ નવજીવન ચાર રસ્તા, ટી.બી. ત્રણ રસ્તા, એપીએમસીના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે અને પાટણ-ચાણસ્મા-હારીજને જોડતા ત્રણ રસ્તા પર મૂકવામાં આવ્યા છે. દરેક ડોમમાં પોલીસ માટે બેઠક વ્યવસ્થા, લાઈટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પહેલ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાની પ્રેરણાથી શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક ડોમ પર અંગદાન અંગે જાગૃતિના સંદેશાઓ પણ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને સમાજપ્રતિ નોંધપાત્ર યોગદાન આપવાની પ્રેરણા મળે.
આ નવી સુવિધાઓ સમર્પણ કરવાના કાર્યક્રમમાં નીરજ સેવા ટ્રસ્ટના ચેરમેન કે.સી. પટેલ, ટ્રસ્ટી ચંદ્રિકાબેન ત્રિવેદી, મિલિન્દ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીએ આ સુવિધાઓનો સ્વીકાર કર્યો હતો અને ત્રણેય સંસ્થાઓના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કે.સી. પટેલે જણાવ્યું હતું કે, ત્રણે ઋતુઓમાં મુશ્કેલીઓ વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના આરામ અને સુવિધા માટે આ પહેલ અમલમાં મૂકાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર