પાટણ, 29 મે (હિ.સ.)પાટણની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)માં વર્ષ 2025ના શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસ્થામાં કુલ 12 વિવિધ ટ્રેડમાં પ્રવેશ મળશે જેમાં ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ICTSM, કોસ્મેટોલોજી, મિકેનિક મોટર વ્હીકલ અને આર્મેચર રીવાઇન્ડિંગનો સમાવેશ થાય છે.
આ પ્રવેશ માટે ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીના લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. 30 જૂન, 2025 સુધી ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આઈટીઆઈ પાટણ ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર કાર્યરત છે જ્યાં ઉમેદવારોને ફોર્મ ભરવામાં માર્ગદર્શન અપાય છે. રજિસ્ટ્રેશન, ફી તથા ચોઈસ ફિલિંગ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરી સમય દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે. આ માહિતી આચાર્ય વર્ગ-1 શ્રી એમ.ઝેડ. વાઘેલાએ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર