પાટણ, 30 મે (હિ.સ.)૫ મે ૨૦૧૭ના રોજ પાટણ તાલુકાના માનપુર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલા ફાયરિંગ કેસમાં પાટણના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન જજ પ્રશાંત એચ. શેઠે ચુકાદો જાહેર કર્યો છે. તેઓએ આરોપી બાબુભાઈ જોઈતાભાઈ પટેલને IPC કલમ 307 હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૩૦,૦૦૦ના દંડની સજા ફટકારી છે. સાથે જ આર્મ્સ એક્ટ હેઠળ પણ વધુ પાંચ વર્ષની કેદ અને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
આરોપી પર ધીરજીભાઈ મહાદેવભાઈ દેસાઈનું મોત નિપજાવવાના ઉદ્દેશથી, ફરિયાદીના ઘરે જઈને ફાયરિંગ કરવાનો આરોપ મૂકાયો હતો. કેસમાં રજૂ થયેલા ૨૦ મૌખિક અને ૩૬ દસ્તાવેજી પુરાવાઓના આધારે જજે નોંધ્યું હતું કે, આરોપીએ ખેત રક્ષણ માટે મળેલી લાઈસન્સવાળી બંદૂકનો દુરુપયોગ કર્યો હતો. જોકે ફરિયાદીને ઈજા જીવલેણ નહોતી, છતાં આરોપીનો ઈરાદો ગંભીર ગણાયો હતો.
સરકારી વકીલ રાજેન્દ્ર પી. રાવલએ દલીલ કરી હતી કે, આ ફાયરિંગ ચૂંટણીની અદાવતના કારણે થયું હતું. કોર્ટે અન્ય ચાર આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર