પાટણ, 30 મે (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં કુલ 62,000 બેઠકો માટે અત્યાર સુધીમાં માત્ર 31,118 ફોર્મ જ ભરાયા છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને બીજી તક આપવા GCAS પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ 29 મેથી 13 જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભર્યા બાદ તેનું વેરિફિકેશન 13થી 16 જૂન દરમિયાન દરેકને પોતાની પસંદગીની કોલેજમાં જઈને કરાવવું રહેશે. પ્રવેશ પ્રક્રિયાની રૂપરેખા મુજબ, બીજી તબક્કાની પ્રથમ મેરિટ યાદી 21 જૂને જાહેર કરાશે, બીજી મેરિટ 25 જૂને, ત્રીજી 28 જૂને અને અંતિમ મેરિટ યાદી 2 જુલાઈએ બહાર પાડાશે.
વિદ્યાર્થીઓ હાલમાં યુનિવર્સિટીના GCAS સેન્ટર ખાતે જઈને પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પણ GCAS પોર્ટલ પર જ પ્રક્રિયા હાથ ધરાશે. હાલમાં ક્વિક રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર