પાટણ, 12 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ કોમન એક્ટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા માત્ર G-CAS પોર્ટલ દ્વારા જ કરવામાં આવશે. G-CAS દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે કોઈપણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ માન્ય રહેશે નહીં.
G-CAS ના તાજેતરના આંકડા અનુસાર વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પ્રથમ તબક્કામાં 2,10,331 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1,13,389 વિદ્યાર્થીઓને વિવિધ સ્નાતક કોર્સમાં પ્રવેશ મળ્યો છે. આ કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓના 53.91% છે. હાલ પ્રવેશ પ્રક્રિયાના હજુ બે તબક્કા બાકી છે.
G-CAS ને માહિતી મળી છે કે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ માટે રાહ જોવવાની સલાહ આપી રહી છે. G-CAS એ ચેતવણી આપી છે કે પ્રવેશ માત્ર ઓનલાઈન પોર્ટલ મારફતે જ માન્ય રહેશે. યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંલગ્ન કોલેજોને આ બાબતની જાણ કરે અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ અટકાવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર