મોડાસા, 27 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના ગણવા ખાતે વાઈસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ( જીઆઈડીસી ) આઈએએસશ્રી પ્રવિણા ડી.કે ની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આઈએએસ પ્રવિણા ડી.કે એ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ બાળકના જીવનમાં અભ્યાસની દિશામાં એક નવું પગલું છે. શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ માટે શિક્ષિત જીવનનો પાયો રોપાતો ઉત્સવ બની ગયો છે. બાળકોના વિકાસમાં શિક્ષણ એક મહત્વનો પાયો છે. શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણ દ્વારા પરિવર્તન લાવી દેશની ભાવી પેઢીના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે. બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી શિક્ષકો તેમજ માતા પિતાની સહિયારી છે.
કાર્યક્રમ દરમિયાન આઈએએસ પ્રવિણા ડી.કે એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં આઈએએસ પ્રવિણા ડી.કે એ બાલવાટિકાના 54, ધોરણ -1 ના 11 અને આંગણવાડીના 48 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસએમ અધ્યક્ષશ્રી, ટીપીઓ, સહિત શાળાનો સ્ટાફ, વાલીઓ,નાના ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ