મોડાસા, 27 જૂન (હિ.સ.) સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાની મટોડા પ્રાથમિક શાળા, શ્રીમતિ આર. એસ.મહેતા અને પી.એમ.પટેલ હાઇસ્કુલ આગિયા, ગવર્મેન્ટ સેકન્ડરી હાઇસ્કુલ ભમરિયા ખાતે કમિશ્નર ઓફ હેલ્થ એન્ડ ઓફિસ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરના ડૉ. રતનકંવર ગઢવીચારણ ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઇ.
આ પ્રસંગે ડૉ. રતનકંવર ગઢવીચારણે જણાવ્યું હતું કે, ૨૧મી સદી વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. નાના બાળકોને જેવું શિક્ષણ આપીશું તે દિશામાં આગળ વધી તેનું ભવિષ્ય બનાવશે. કુમળા છોડને નાનપણમાં જેમ વાળો તેમ વળે છે એજ રીતે બાળપણમાં બાળકને શિક્ષણ અને સંસ્કાર શાળા કક્ષાએથી જ મળી જાય તે ખૂબજ જરૂરી છે. સૌને સમાન શિક્ષણ માટે શરૂ થયેલા આ શિક્ષણ યજ્ઞને આજે બે દાયકા જેટલો સમય થયો છે અને તેનાં સારા પરિણામો પણ આપણને મળ્યા છે. ત્યારે આપણી સામાજિક પ્રગતિ અને ઉત્થાન માટે શિક્ષણ મહત્વનું પાસું છે. તેના થકી જ નાગરિકનો વિકાસ થશે અને શિક્ષણ સમાજ થકી જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન આપણે સાકાર કરી શકીશું. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે શિક્ષણયજ્ઞમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાલીઓ પણ એટલા જ ઉત્સાહ સાથે સહભાગી બનવા સૌને આહવાન કર્યું હતું.
ગત વર્ષે અભ્યાસમાં અવ્વલ ક્રમાંક મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શાળામાં ગત વર્ષે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ